જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર
માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતીઅસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે. આપણે બધાજ જાણીએ છીએ કે આપણે સાવ `ટેમ્પરરી’ શરીરમાં, `ટેમ્પરરી’ શ્વાસપહેરીને લાઈફટાઈમની વેલીડીટી વાળી શ્રદ્ધા રીચાર્જ કરાવતા હોઈએ છીએ. આવનારી ક્ષણમાં આપણા હૃદયને ધબકવું ગમશે કે નહિ એની પણ આપણને જાણ નથી અને આપણે વાતોકરીએ છીએ `અનલિમીટેડ 4G ડેટા’ની.
કોઈ જ પ્રકારની શારીરિક યાતના વગર આવતી કાલનો સૂર્યોદય આપણે હેમખેમ જોઈ શકીએ, એ જ સૌથી મોટો ચમત્કાર છે. દરેક પળે આવનારી અનિશ્ચિતતાઓ અને જોખમોની વચ્ચેમાણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ ઈશ્વરના સૌથી મોટા આશીર્વાદ છે.
કઈ ઘડીએ, કઈ ક્ષણે આપણે માટીમાં ભળી જઈશું? એની જાણ આપણને કોઈને નથી. તો આવો, માટીમાં ભળી જઈએ, એ પહેલા આપણી જાતમાં રહેલા માટીના માણસને ઉજવી લઈએ. વેદના અને સંવેદનાઓની ચાદર ઓઢીને, ટૂટીયું વાળીને આપણાસૌમાં એક માટીનો માણસ સૂતેલો છે. એને જગાડવાનું કામ કરવાનું છે.
ડૉ. નિમિત્ત ઓઝા એક એવી ‘સ્પ્લીટ પર્સનાલિટી’ છે, જેમનાં બંને પાસાંઓ સમાજ માટે આશીર્વાદરૂપ છે. ઑપરેશન થિયેટરની અંદર બેરહેમીથી સર્જીકલ નાઇફ ચલાવતા એક સંવેદનહીન સર્જન અને થિયેટરની બહાર એક આકર્ષક ભાવવિશ્વનું સર્જન કરતા એક અતિસંવેદનશીલ સર્જક.તેમના જ શબ્દોમાં કહીએ તો તેમનાં આ બે અલગ અલગ સ્વરૂપોને, તેઓ ‘બનવા’ અને ‘હોવા’ વચ્ચેનો તફાવત કહે છે. યુરોલૉજીસ્ટ તેઓ બન્યા, જ્યારે લેખક તેઓ હતા. મેડિકલ સાયન્સની ઔપચારિક શિક્ષા અને તાલીમ લઈને એક સુપર-સ્પેશિયાલિસ્ટ સર્જન ‘બનવામાં’ તેમણે જીવનનાં અમૂલ્ય વર્ષો ખર્ચી નાંખ્યાં, પણ એ દરમિયાન તેમણે જાતની અંદર રહેલા સર્જકને હંમેશાં જીવતો રાખ્યો. યુરોલૉજીસ્ટની ચામડી નીચે સુષુપ્ત અવસ્થામાં સૂતેલો એક સંભવિત સાહિત્યકાર ત્યારે બેઠો થયો, જ્યારે તેમના અંગત જીવનમાં એક ભયંકર તોફાન આવ્યું.કઈ દુર્ઘટનાને કારણે તેઓ ‘લેખન-પ્રવૃત્તિ તરફ વળ્યા?’ એનો જવાબ ‘છાપવા’ને બદલે, તેઓ રૂબરૂમાં ‘આપવા’નું પસંદ કરે છે. કારણ જે પણ હોય, એમના દ્વારા થયેલું શબ્દકર્મ આજે અનેકને પ્રેરણા, શાતા, નિરાંત અને હિંમત આપે છે, એ વાત નિર્વિવાદ છે. એમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ જ એમની ‘રીલેટેબલ’ અભિવ્યક્તિ અને સરળ ભાષા છે.તેમના દ્વારા લખાયેલા દરેક પુસ્તક, દરેક લેખ કે દરેક શબ્દ સાથે આજની યુવાપેઢી ‘કનેક્ટ’ થઈ શકે છે. તેમનાં પુસ્તકો ફક્ત આપણા જ્ઞાનમાં જ નહીં, આપણી પ્રજ્ઞામાં પણ ઉમેરો કરે છે. એ ફેસબુક પર હોય કે દિવ્ય-ભાસ્કરની કૉલમમાં, એમના લખાણમાંથી લટાર માર્યા બાદ ભાગ્યે જ કોઈ વાચક ખાલી હાથે પાછો ફરે છે. એમની પાસે લાગણીઓનો અખૂટ ખજાનો, આલંકારિક ભાષા અને જગતને જોવાની એક નવી દૃષ્ટિ છે. એમની યુનિક રાઇટિંગ સ્ટાઇલ વાચકોને આકર્ષે છે.એમની વાઇરલ થયેલી અનેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઉપરાંત એમનાં લોકપ્રિય રહેલાં પુસ્તકોમાં ‘માટીનો માણસ’, ‘ઍક્સ્પાયરી ડેટ’, ‘આઇ.સી.યુ.’ (સંબંધોનું ઇન્ટેન્સીવ કેર યુનિટ), ‘જિંદગી તને થૅન્ક્યુ’, ‘અજવાળાનો ઑટોગ્રાફ’ અને ‘શ્વાસની સેરેન્ડિપિટી’નો સમાવેશ થાય છે. અત્યંત લોકચાહના પામેલી એમની બે નવલકથાઓ ‘ક્રોમોઝોમ XY’ અને ‘પપ્પાની ગર્લફ્રૅન્ડ' છે, જે બંને પુસ્તકોની કથા અને વિષયવસ્તુ મેઇન-સ્ટ્રીમથી તદ્દન અલગ, અનન્ય અને અજોડ છે. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય માટે એનાયત થતો, નવલકથા માટેનો દર્શક ઍવૉર્ડ તેમની પહેલી નવલકથા ‘ક્રોમોઝોમ XY’ને પ્રાપ્ત થયો છે.હાલ, તેઓ દિવ્ય-ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારની કળશ પૂર્તિમાં ‘અજવાળાનો ઑટોગ્રાફ’ અને ‘રસરંગ’ પૂર્તિમાં ‘મનનો મોનોલોગ’ નામની અઠવાડિક કૉલમ લખે છે.